SPORTS FIELD

એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં ચિત્રાક્ષ ભટ્ટે બે ટાઇટલ જીત્યા, ક્રિત્વિકા વિમેન્સ ચેમ્પિયન
ગાંધીધામ, તા.2 : એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં યુવાન ચિત્રાક્ષ ભટ્ટે ટુર્નામેન્ટ માટેનો પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરતાં બે ટાઇટલ જીત્યા હતા તો ભારતની સાતમા ક્રમની ક્રિત્વિકા સિંહા રોયે પડકારનો સામનો કરીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સહકારથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી અને વિન વિન મેરિટાઇમ લિમિટેડ દ્વારા સહ પ્રાયોજિત ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ ફાઇનલ રોમાંચક બની હતી જેમાં ત્રીજા ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે કચ્છના ચોથા ક્રમના ઇશાન હિંગોરાણીને 4-2થી હરાવીને કારકિર્દીમાં પહેલી વાર મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચિત્રાક્ષ ભટ્ટે 11-6થી પ્રથમ ગેમ જીતી હતી પરંતુ કચ્છની ટીમને મેન્સ ટીમ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા તથા હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા ઇશાને વળતો પ્રહાર કરીને બીજી ગેમ્સ 11-7થી જીતી લીધી હતી.
જોકે આજનો દિવસ ચિત્રાક્ષનો હતો જેણે આગામી બે ગેમ 11-7, 11-8થી જીતી લીધી હતી. બીજી તરફ ઇશાને પણ લડત જારી રાખી હતી અને પાંચમી ગેમ 12-10થી હાંસલ કરી હતી પરંતુ ચિત્રાક્ષે છઠ્ઠી ગેમ 11-8થી જીતવાની સાથે મેચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું.
18 વર્ષના ચિત્રાક્ષ માટે આ ટુર્નામેન્ટ યાદગાર બની રહી હતી કેમ કે તેણે જુનિયર બોયઝ (અંડર-19) ટાઇટલ પણ હાંસલ કર્યું હતું જ્યાં ફાઇનલમાં તેણે ચોથા ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈને 11-6, 11-6, 5-11, 9-11, 11-6, 11-8થી હરાવ્યો હતો.
“2019માં આણંદ ખાતે મેં આણંદ ખાતે સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યું હતું પરંતુ મારા માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા આ ટુર્નામેન્ટ વિશેષ છે.” તેમ કહીને મેન્સ ફાઇનલ જીત્યા બાદ ચિત્રાક્ષે ઉમેર્યું હતું કે “પ્રામાણિકતાથી કહું તો ટાઇટલ જીતવાનો મારો લક્ષ્યાંક હતો અને તે સાર્થક કરવાનો મને આનંદ છે પરંતુ સાથે સાથે એમ પણ કબૂલીશ કે આ બાબત આસાન ન હતી કેમ કે અમે એક વર્ષ કરતાં વધુ સમય બાદ આવી સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ રમી રહ્યા હતા.” તેમ તેણે ઉમેર્યું હતું.
“પ્રારંભ અમારા માટે પડકારજનક હતો પરંતુ જેમ જેમ આગળ ધપતો ગયો તેમ તેમ તમામ બાબતો મારા પક્ષમાં આવતી ગઈ હતી.” તેમ ચિત્રાક્ષે જણાવ્યું હતું.
દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા એકેડમીમાં તાલીમ લઈ રહેલા ચિત્રાક્ષનું માનવું છે કે ત્યાંની તાલીમ તેને મદદરૂપ બની છે. “હજી એવા ઘણા પાસા છે જેમાં મારે સુધારો કરવાની જરૂર છે. પરંતુ નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયામાં કરેલી પ્રેક્ટિસથી મારી રમતમાં સુધારો કરવામાં ઘણી મદદ મળી છે.” તેમ કહીને ચિત્રાક્ષે ઉમેર્યું હતું કે આ સિઝનમાં તે નેશનલ્સમાં રમવાનો લક્ષ્યાંક ધરાવે છે.
દરમિયાન, આ સિઝનથી ગુજરાતમાં રમનારી અને આ ટુર્નામેન્ટમાં સુરતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ક્રિત્વિકા સિંહા રોયે તેની ઉચ્ચ કક્ષાની રમત જીવંત રાખતાં પોતાની જ ટીમની અને મોખરાનો ક્રમાંક ધરાવતી ફ્રેનાઝ છિપીયાને 4-1થી હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
ક્રિત્વિકાએ પહેલી ગેમ 11-5થી જીતી હતી પરંતુ ફ્રેનાઝે બીજી ગેમ 11-9થી જીતીને સ્કોર સરભર કરી દીધો હતો. ત્યાર બાદ પોતાનો બહોળો અનુભવ કામે લગાડીને ક્રિત્વિકાએ ફ્રેનાઝના  તમામ પ્રયાસોનો સામનો કરીને બાકીની બે ગેમ 11-7, 12-10થી જીતી હતી અને અંતે પાંચમી ગેમ 11-2થી હાંસલ કરી લીધી હતી.
દરમિયાન બીજા ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીએ જુનિયર ગર્લ્સ (અંડર-19) ટાઇટલ જીતવા માટે ભાવનગરની આઠમા ક્રમની નામના જયસ્વાલને 11-8, 13-11, 11-4, 11-4થી આસાનીથી હરાવી હતી.

અમદાવાદ ચેમ્પિયનશિપ ટાઇટલ વિજેતા

ટુર્નામેન્ટમાં અમદાવાદે તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું કેમ કે અમદાવાદને ચેમ્પિયનશિપ ટાઇટલ વિજેતા જાહેર કરાયું હતું. ઓવરઓલ ચેમ્પિયનશિપ હાંસલ કરવા માટે અમદાવાદે પ્રભાવશાળી રમત દાખવીને આઠ ટાઇટલ જીત્યા હતા.
તમામ વિજેતાઓને અભિનંદન પાઠવતાં જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે “હું ચેમ્પિયનશિપના તમામ વિજેતાઓને અભિનંદન આપવા માગું છું. હું સમજું છું કે આટલા લાંબા ગાળા બાદ ફરીથી સ્પર્ધાત્મક રમતનો પ્રારંભ કરવો ખેલાડીઓ માટે આસાન હોતો નથી પરંતુ તેમણે પ્રભાવશાળી રમત દાખવીને આપણા દિલ જીતી લીધા છે અને એ સુનિશ્ચિત કરાવી દીધું છે કે રમત સુરક્ષિત હાથમાં છે.”
ટુર્નામેન્ટની સફળ પૂર્ણાહૂતિથી અમારામાં સંપૂર્ણ સિઝન યોજવાનો આત્મવિશ્વાસ આવ્યો છે જે ખેલાડીઓ માટે લાભકર્તા રહેશે અને તેમને આગામી નેશનલ્સ માટેની તૈયારી કરવામાં મદદરૂપ બનશે. હવે અમે આગામી મહિનાઓમાં અન્ય ટુર્નામેન્ટ યોજવા માટે પ્રતિબદ્ધ બન્યા છીએ.” તેમ તેમણે ઉમેર્યું હતું.
“હું આયોજન સમિતિને પણ અભિનંદન પાઠવવા માગું છું જેમણે આ કપરા સમયમાં પણ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આ કાર્ય આસાન ન હતું  પરંતુ તેમણે એ ખાતરી કરાવી હતી કે સરકારની માર્ગદર્શિકાનું તમામ દ્વારા પાલન કરાયું છે.” તેમ શ્રી મિત્રા (આઇએેસ)એ ઉમેર્યું હતું.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજરાતની ભાવિના પટેલ સેમિફાઇનલમાં
ગાંધીધામ, 28 ઓગસ્ટ ઃ પેરાલિમ્પિક્સમાં પોતાની કારકિર્દીના પ્રારંભને યાદગાર બનાવતા ગુજરાતની ચેમ્પિયન પેરા ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે શુક્રવારે ટોક્યો ગેમ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં ભાવિનાએ મેજર અપસેટ સર્જીને વિશ્વની બીજા ક્રમની બોરિસ્લાવા પેરિક-રેનકોવિક (સર્બિયા)ને 11-5, 11-6, 11-7થી હરાવી હતી. આ સાથે ગેમ્સની સેમિફાઇનલમાં પ્રવેશનારી ભાવિના પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

“જીએસટીટીએ આ પ્રસંગે આપણી ચેમ્પિયન ટેબલ ટેનિસ સ્ટારને તેના શાનદાર પ્રદર્શન અને ફોર્મ માટે અભિનંદન પાઠવે છે ” તેમ જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું. “છેલ્લા એક દાયકાથી તે ઉચ્ચ કક્ષાની ખેલાડી છે અને મને આનંદ છે કે તેને રમત ક્ષેત્રના સર્વોચ્ચ શિખર પરની સ્પર્ધામાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળી છે. મને ખાતરી છે કે તે આવો જ દેખાવ જારી રાખીને અન્યને પણ પ્રેરિત કરશે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલ માટે હું તેને શુભેચ્છા પાઠવું છું ” તેમ શ્રી મિત્રાએ ઉમેર્યું હતું.
અમદાવાદની 34 વર્ષીય ભાવિનાએ શુક્રવારે શાનદાર ફોર્મ દાખવ્યું હતું કેમ કે તેમે દિવસની અગાઉની મેચમાં વિશ્વમાં આઠમો ક્રમાંક ધરાવતી બ્રાઝિલની જોયસ ડી ઓલિવિયેરાને રાઉન્ડ ઓફ 16મી મેચમાં હરાવી હતી. ભાવિનાએ મજબૂત રમત દાખવીને બ્રાઝિલિયન ખેલાડી સામે 12-10, 13-11, 11-6થી વિજય હાંસલ કર્યો હતો.

ભાવિના માટે આ યાદગાર ટુર્નામેન્ટ છે કેમ કે તેણે પોતાના પેરાલિમ્પિક્સ અભિયાનનો પ્રારંભ પરાજય સાથે કર્યો હતો. બુધવારે પ્રારંભિક રાઉન્ડમાં વિશ્વની મોખરાના ક્રમની ચીનની યિંગ ઝોઉ સામે તેનો 3-11, 9-11, 2-11થી પરાજય થયો હતો.
પણ, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 2 ભાવિનાએ વળતો પ્રહાર કરીને ગુરુવારે વિશ્વની નવમા ક્રમની મેગન શેકેલટોન (ગ્રેટ બ્રિટન) સામે 11-7, 9-11, 17-15, 13-11થી વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં ભાવિના અત્યંત મજબૂત પ્રદર્શન કર્યું હતું. તેની પ્રતિબદ્ધતાને કારણે ભાવિના અત્યારે પેરાલિમ્પિક્સમાં જાયન્ટ કિલર પુરવાર થઈ રહી છે.