શ્રી ગણેશાય નમઃ

-પાર્થ પંડિત

સ્ટડી પર્સનને સ્પોટર્સ અંગે ન પૂછાય તો સ્પોટર્સ પર્સનને સ્ટડી માટે શા માટે પ્રશ્ન કરાય છે

સામાન્ય રીતે એવું મનાય છે કે ખેલાડી અભ્યાસમાં હંમેશા નબળો હોય છે. પણ ક્યારેય એ નથી જોવાતું કે અભ્યાસમાં અવ્વલ હોય એ સ્પોટર્સમાં મોટે ભાગે ઢ હોય જ છે. જોકે, તેમ છતાં સામાન્ય ગ્રેજ્યુએટને જે સન્માન અને નોકરીઓમાં અગ્રતા મળે છે એવી ખેલાડીને નથી મળતી. આ ફરિયાદ છે ઈન્ટરનેશનલ મહિલા આર્ચર સીમા વર્માની. ખેલાડી સાથે ગુજરાત ગાર્ડિયનની વિશેષ મુલાકાત.

હું ઈન્ટરનેશનલ આર્ચર છું અને તેના લીધે જ મને ઈન્કમટેક્સ વિભાગમાં સ્પોટર્સ ક્વોટામાં નોકરી મળી છે પરંતુ વર્લ્ડ આર્ચરીમાં ટીમ બ્રોન્ઝ મેડલ જીતવા છતાં સરકારી વિભાગમાં મને એમટીએસ (મલ્ટી ટાસ્ક સર્વિસ) તરીકે જ સમાવવામાં આવી છે. રમતને લીધે અધવચ્ચેથી અભ્યાસ પડતો મૂક્યો હોઈ મને વિભાગમાં યોગ્ય હોદ્દો મળતો નથી. આશ્ચર્યની વાત એ છે કે માત્ર ગ્રેજ્યુએશન કરનારાઓને તો સારી પોસ્ટ મળી જાય છે એમને કોઈ નથી પુછતું કે તમે ક્યારેય રમતનું મેદાન પણ જોયું છે કે કેમ પણ આઠ કલાકથી વધુ મેદાન પરના પરિશ્રમ અને એ ઉપરાંત નોકરીમાં પણ યોગ્ય હાજરી આપવી પડતી હોવા છતાં પ્રમોશનની વાત આવે તો અમારા અભ્યાસને સામે ધરી દેવામાં આવે છે અને અમારી વ્યવસાયિક કારકિર્દી પાટા પર ચઢતી નથી, આ ફરિયાદ ઈન્ટરનેશનલ મહિલા આર્ચર સીમા વર્માની છે. એમ જોઈએ તો તેની આ વાત સાચી પણ છે. ઓલિમ્પિક રમત આર્ચરીમાં જેવી તેવી નહીં પણ ઈન્ટરનેશનલ કક્ષાએ દેશનું નામ રોશન કર્યું હોવા છતાં સીમાં તાજેતરમાં નડિયાદની ઈન્કમટેક્સ ઓફિસમાં એમટીએસ તરીકે ફરજ બજાવે છે. જ્યારે માત્ર અભ્યાસના જોરે તેના ડિપાર્ટમેન્ટમાં અનેક લોકો તેના કરતા ખૂબજ સારા હોદ્દા પર છે.

મૂળ ઉત્તર પ્રદેશના મથુરાની સીમા વર્માના પિતા રામસ્વરુપ વર્મા સીઆઈએસએફમાં હતા અને હવે નિવૃત્ત છે. સેનામાં હોવાને લીધે સીમાએ પિતા સાથે દેશભરમાં ફરવું પડ્યું અને જ્યાં પોસ્ટિંગ આવે ત્યાં પરિવારે જવું પડતું. સીમા નવમા ધોરણ સુધી તો અભ્યાસમાં પણ ખૂબજ સારી હતી અને 70-80 ટકા તો તેના આવી જ જતા હતા. જોકે, એવામાં પિતાનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયું અને સીમા શાળામાં અને શેરીમાં ફૂટબોલ તથા ક્રિકેટ રમતી. બસ આ સાથે જ તેનું મન રમતો તરફ વળી ગયું. તેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ તો જમશેદપુરમાં તાતા નગરમાં આવ્યો. ઝારખંડના આ શહેરમાં આર્ચરીનો સિલેક્શન કેમ્પ હતો અને કોચ ધર્મેન્દ્ર તિવારી તેને એમાં લઈ ગયા. છ છોકરા અને આઠ છોકરીઓ સિલેક્શન કેમ્પમાં આવ્યા હતા. આ પહેલા તો સીમાને આર્ચરી એટલે શું એ પણ ખબર નહતી પરંતુ તેના કદ કાઠી જોઈને ધર્મેન્દ્ર સરે તેના પર વિશ્વાસ કર્યો અને તેને તાતા સ્ટીલના કેમ્પમાં સઘન તાલીમ આપવામાં આવી.

2007નું વર્ષ સીમાની આર્ચરીની કારકિર્દી માટે મહત્વપૂર્ણ બની રહ્યું. માતા લીલાવતી, ચાર મોટી બહેનો અને એક નાના ભાઈ તરફથી તેને હંમેશા રમવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું. એટલું જ નહીં પિતા તો તેને તેમનો દીકરો જ માનતા તેથી તેને હજું પણ છોકરાઓની સ્ટાઈલથી જ બોલવાની ટેવ પડી ગઈ છે. તેને મળીએ તો તે આતા હું, કહેતા હું, એ રીતે જ છોકરો હોય એમ જ વાત કરે છે વળી કપડા પણ તેના છોકરીઓ જેવા સલવાર સૂટ નથી હોતા તે મોટે ભાગે જીન્સ- ટીશર્ટ કે શર્ટ જ પહેરે છે. તેણે સૌ પહેલા 2007માં રાયપુર ખાતે યોજાયેલી નેશનલ સબ જુનિયર આર્ચરી કોમ્પિટીશનમાં ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને તહેલકો મચાવી દીધો. એ પછી તરત જ 2008માં તેને તૂર્કીમાં યોજાયેલા સબ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાની તક મળી. એમાં તે કોઈ મેડલ ભલે ન મેળવી શકી પરંતુ તેણે તેનામાં ઈન્ટરનેશનલ મેડલ જીતવાની ક્ષમતા હોવાનો અણસાર તો આપી જ દીધો હતો. ખેર, ઈન્ટરનેશનલ મેડલ માટે તેણે બહુ લાંબી રાહ જોવી પડી નહતી. 2011માં તેણે પોલેન્ડમાં યોજાયેલા જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો કે જેમાં સાઉથ કોરિયા પ્રથમ અને ચીન બીજા સ્થાને હતું. 2015માં તેણે તૂર્કીમાં વર્લ્ડ કપ આર્ચરીમાં ટીમ બ્રોન્ઝ મેડલ મેળવ્યો જે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. 2010માં સિંગાપુરમાં યુથ ગેમ્સ ઓલિમ્પિકમાં તે પાંચમા ક્રમે રહી હતી.

આંતરાષ્ટ્રીય કક્ષાએ શા માટે દેશના ખેલાડીઓના હાથ હેઠા પડે છે એવા પ્રશ્નનો જવાબ આપતા સીમાએ કહ્યું કે, ક્રિકેટ, ફૂટબોલ કે ટેનિસને મળે છે એવું એથ્લેટ્સને બહુ મહત્વ મળતું નથી. એટલું જ નહીં કોઈ પણ રમતની સ્પર્ધા માટે સામે સારા સ્પર્ધક હોય એ પણ જરુરી હોય છે પરંતુ એ દરેક સેન્ટરમાં ઈન્ટરનેશનલ કક્ષાના સ્પર્ધક મળી શકતા નથી. ઈન્કમટેક્સમાં પહેલા તો અમદાવાદમાં પોસ્ટિંગ થયું હતું તો આર્ચરી માટે ખાસ ભલામણ બાદ મને સંસ્કારધામ શાળામાં પ્રેક્ટિસ માટેની સવલત ઊભી કરી આપવામાં આવી હતી. હાલમાં હું નડિયાદના સાઈ (સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) સેન્ટરમાં આગામી નેશનલની તૈયારી કરી રહી છું.

આર્ચરી રમતની દ્રષ્ટીએ ઘણી મોંધી છે. તેમાં બો (BOW) ધનુષ 25,000નું અને એરો (તીર) 12 નંગ 32,000ના પડે છે. આ તિરની અણી ખૂબજ સાચવીને ઘસતા રહીને જાળવીએ તો પણ તે માંડ ચારેક માસ ચાલતા હોય છે. ઓછામાં ઓછી દિવસમાં આઠ કલાકનો વર્કઆઉટ- પ્રેક્ટિસ, ફિટનેસ વગેરે પાછળ આપતી સીમા આર્ચર્સને યોગ્ય મોટીવેશન મળતું ન હોવાની ફરિયાદ કરે છે. રમતને લીધે અધવચ્ચેથી બીએનો અભ્યાસ પડતો મૂકનારી સીમાંની તંત્ર સામે કોઈ ફરિયાદ નથી તે કહે છે કે તેના વિભાગ (ઈન્કમટેક્સ) તરફથી તેને તમામ પ્રકારનો સહકાર મળી રહે છે પરંતુ અત્યાધુનિક સાધનો વસાવવા કે ઈન્ટરનેશનલ કક્ષાની ઉચ્ચ ટ્રેનિંગ માટે જરુરી સ્પોન્સર્સ મળી શકતા નથી.

પિતા રામસ્વરુપે સીમાને છોકરાની જેમ જ મોટી કરી અને તેને હંમેશા હિરો કહીને જ બોલવતા. એમેય સીમા બાળપણથી છોકરાઓ સાથે જ રમતી, મારા મારી પણ કરતી. હજુ પણ સીમાને ફૂરસતના સમયમાં ફૂટબોલ રમવું ગમે છે. ટોમ એન્ડ જેરી કે કપિલ શો જેવા કોમેડી શો જોવા ઉપરાંત સીમાને લાઉડ મ્યુઝિક મૂકીને બિન્દાસ ડાન્સ કરવો ગમે છે. જોકે તેનામાં છોકરીઓને છાજે એવા વિવેક અને શરમના ગુણો તો છે જ પણ તેને રસોઈ કરવી ખાસ કરીને જુદી જુદી આઈટમ્સ બનાવીને ખાવી અને ખવડાવવી પણ ખૂબજ ગમે છે. વર્ષના અંતિમ મહિનાઓમાં યોજાનારી નેશનલ આર્ચરી માટે ગુજરાત તરફથી રમનારી 25 વર્ષીય સીમા અગાઉ નેશનલમાં અન્ય રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આ તૈયારીની સાથે સાથે સીમાની નજર હવે આર્ચરી વર્લ્ડ કપ અને ઓલિમ્પિકમાં મેડલ મેળવવા પર છે. જોકે, તેના માટે તેને નવા આધુનિક સાધનો અને ઈન્ટરનેશનલ કક્ષાની તાલીમની જરુર છે. આશા રખવી રહી કે ભારત સરકારની એક્સલન્સ યોજના પારિવારિક સમસ્યાઓને લીધે ચૂકી જનારી સીમા પર કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની નજર જાય અને તેને યોગ્ય મદદ કરે તો તે દેશને હજુ અનેક આંતરરાષ્ટ્રીય મેડલ્સ અપાવવાની આ ખેલાડી ક્ષમતા ધરાવે છે. 

28-06-2017

વિઝડન એટલે ક્રિકેટનું બાઇબલ, કુર્રાન કે ગીતા

ગુજરાતના ક્રિકેટર ઇબ્રાહિમ માકાના મૃત્યુની ચોક્કસ તારીખ અમદાવાદના સ્પોટર્સ જર્નાલિસ્ટ તુષાર ત્રિવેદીએ વિઝડનને આપી હતી
 ક્રિકેટના વાર્ષિકાંકમાં તુષારભાઈ વર્ષોથી અધિકૃત માહિતી આપે અને એ બદલ તેમાં તેમનું નામ પણ પ્રકાશિત થાય છે. તાજેતરના અંકમાં તેમનું નામ પ્રગટ થયા બાદ તેઓએ આ ગ્રંથ અંગે વાચકો માટે થોડી માહિતી અત્રે ખાસ રજૂ કરી છે

વિઝડન એટલે ક્રિકેટનું બાઇબલ, કુર્રાન કે ગીતા. તેને એક પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે અને એક વાર વિઝડન જુઓ કે વાંચો એટલે આ વાત પુરવાર થઈ જતી હોય છે. ઇંગ્લેન્ડની કાઉન્ટીમાં રમેલા ક્રિકેટર જ્હોન વિઝડને 1864માં આ વાર્ષિકાંકનું સંપાદન શરૂ કર્યું અને ત્યારથી તે સતત પ્રસિદ્ધ થતું રહે છે. 2013માં વિઝડને વિશ્વની સર્વકાલીન મહાન ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. વિઝડનની એટલી વિશ્વસનીયતા છે કે તેમાં પ્રકાશિત થતી ક્રિકેટની તમામ સામગ્રી સત્તાવાર બની જતી હોય છે. તેની ખાસિયતની વાત કરીએ તો હાલના ઇન્ટરનેટ યુગ અગાઉ દાયકાઓ કે સદીઓ સુધી વિશ્વના તમામ ક્રિકેટરની લગભગ તમામ માહિતી તેમાં પ્રકાશિત થતી હતી અને આજે પણ થતી રહે છે. અત્યારે કોઈ ક્રિકેટરના જન્મ કે નિધનની તારીખ વેબસાઇટ પરથી તરત જ મળી શકે છે પરંતુ અગાઉ આવું ન હતું. એ વખતે દર વર્ષે વિઝડન પ્રકાશિત થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. એટલે સુધી કે હાલની વેબસાઇટ પર ક્રિકેટરની અંગત માહિતી જોવા મળે છે તેનો મૂળ સ્ત્રોત તો વિઝડન જ છે. 
વિઝડન સાથેનો મારો નાતો લગભગ બે દાયકા પુરાણો છે. ભારતમાં રમાતી ફર્સ્ટ ક્લાસ મેચો કે તેમાં રમતા ખેલાડીઓની વિગતો વિઝડનને પૂરી પાડવાનું વર્ષો અગાઉ ઘેલું લાગ્યું હતું અને મેં મોકલેલી માહિતીની ખાતરી કર્યા બાદ તેમાં તે પ્રકાશિત થતી હતી. પછી તો એવું બન્યું કે વિઝડન પાસે કોઈ માહિતી પ્રાપ્ય ન હોય તો તેઓ મારી પાસેથી તે માહિતી મગાવતા હતા. દાખલા તરીકે વિઝડનમાં વર્ષો સુધી કેટલાક ક્રિકેટરના નિધનની માહિતી ન હતી તો તેઓ તે હાંસલ કરવા પ્રયાસ કરતા હતા. જેમાં ભારતના ત્રણ ટેસ્ટ ક્રિકેટરના નામની સામે 'કદાચ મૃત્યુ પામ્યા હશે ' (UNKNOWN DEAD અથવા PRESUME DEAD) એમ લખાતું હતું. આ ખેલાડીઓમાં કોટા રંગાસ્વામી, કનવર રાજસિંઘ અને ઇબ્રાહિમ માકાનો સમાવેશ થતો હતો. માકા મૂળ ગુજરાતના હતા અને સુરત નજીક દમણ અને રાંદેરમાં રમતા હતા પરંતુ તેઓ ક્યારે અવસાન પામ્યા તે અંગે માહિતી પ્રાપ્ત થતી ન હતી. એક ગુજરાતી તરીકે આ બાબત શરમજનક કહેવાય કે ઇબ્રાહિમ માકા વિશે કોઈ પાસે માહિતી ન હોય અને વિઝડનમાં તેમની સામે કદાચ મૃત્યુ પામ્યા હોઈ શકે તેમ લખાયેલું આવે. 
આ વિશે મેં દમણ અને રાંદેરમાં જઈને રૂબરૂ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે માકાનું નિધન 1994માં દમણ ખાતે થયું હતું. આ અંગેના પુરાવા એકત્રિત કર્યા અને તે પુરાવા સાથે 2009માં વિઝડનમાં મોકલ્યા ત્યારે તેમણે ખાસ ઉલ્લેખ સાથે તેની મરણ નોંધમાં લખ્યું હતું કે માકાના નિધનની ચોક્કસ તારીખ વર્ષો બાદ મળી છે અને ત્યારથી તેમના નામની સામે એ તારીખ લખાવાની શરૂ થઈ છે.
વિઝડનને એટલું સત્તાવાર મનાય છે કે એક વાર તેમાં માહિતી આવે ત્યાર બાદ તેના વિશે સવાલો થતા નથી. વિઝડનની એક ખાસ વાત એ છે કે વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં રમાતી તમામ ફર્સ્ટ ક્લાસ મેચનો તેમાં ઉલ્લેખ થાય છે. ઇંગ્લેન્ડની કાઉન્ટીમાં રમાતી તમામ મેચના વિસ્તૃત સ્કોર તેમાં આવે છે તો બાકીના દેશોમાં રમાતી મેચોનો સંક્ષિપ્ત સ્કોર તેમાં છપાય છે. આ ઉપરાંત ટેસ્ટ, વન-ડે અને ટી20ના તમામ ઇન્ટરનેશનલ રેકોર્ડ તો ખરાં જ. વિઝડનની પ્રથા હતી કે તે દર વર્ષે પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરતું હતું જેમાં જે તે સિઝનમાં ઇંગ્લેન્ડમાં કરેલા પ્રદર્શનને ધ્યાનમાં લેવાતું હતું પરંતુ આ પરંપરા હવે બદલાઈ ગઈ છે અને હવે વિશ્વના કોઈ પણ દેશમાં નોંધાયેલા પ્રદર્શનને આધારે ક્રિકેટરની પસંદગી થાય છે અને આ પરંપરા શરૂ કરાયા બાદ સૌપ્રથમ સચિન તેંડુલકરને પસંદ કરાયો હતો. વિઝડનના કવર પેજ પર ક્યારેય કોઈનો ફોટો આવતો ન હતો પરંતુ સચિન તેંડુલકર અને શેન વોર્નથી આ પરંપરા પણ શરૂ થઈ અને હવે 2017ના વિઝડનના કવર પેજ પર વિરાટ કોહલીનો ફોટો મૂકવામાં આવ્યો છે.
વિઝડન વિશે ઘણી બધી વાતો છે પરંતુ સૌથી અનોખી વાત એ છે કે તેમાં તમામ ક્રિકેટરના જન્મ-મરણની તારીખોના વિભાગમાં માર્થા ગ્રેસ નામની મહિલાનો ઉલ્લેખ પણ હતો. વિઝડન કારણ એમ આપતું હતું કે તેમનો ઉલ્લેખ એટલા માટે કે તેઓ ક્રિકેટના ભિષ્મ પિતામહ ડૉ. ડબ્લ્યુ. જી. ગ્રેસના માતા હતા.

શ્રી ગણેશાય નમઃ

-પાર્થ પંડિત

ગુજરાત રણજી ચેમ્પિયન પણ ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયા હજુ ઘણું દૂર

ગુજરાતની રણજી ટીમે 41 વખતની ચેમ્પિયન મુંબઈને હરાવીને પહેલી વખત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધા જીતી લીધી. એ હકીકત છે કે મુંબઈએ દેશને અનેક રાષ્ટ્રીય ખેલાડીઓની ભેટ ધરી છે પરંતુ એની સામે ગુજરાતે અત્યાર સુધી આંગળીના વેઢે ગણાય એટલા ટેસ્ટ સ્ટાર આપ્યા છે. હવે જોવાનું એ છે કે આ ચેમ્પિયન ટીમમાં અનેક ખેલાડી રાષ્ટ્રીય ટીમના દાવેદારો છે પરંતુ એ તમામ માટે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ આસાન નહીં હોય.

ગુજરાતની રણજી ટીમે તાજેતરમાં 41 વખતની ચેમ્પિયન મુંબઈની ટીમને ફાઈનલમાં હરાવીને સપર્ધાના ઈતિહાસમાં પહેલી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ટેસ્ટ સ્ટાર પાર્થિવ પટેલના નેતૃત્વ હેઠળની ટીમે ખરા અર્થમાં ચેમ્પિયન્સને છાજે એવો દેખાવ સમગ્ર સ્પર્ધામાં કર્યો. પાર્થિવે તો ફાઈનલમાં જોરદાર લડાયક 143 રન બનાવીને ટીમનો વિજય નિશ્ચિત બનાવ્યો પરંતુ એ પહેલા પણ સમગ્ર સ્પર્ધામાં જોઈએ તો ટીમના દરેક ખેલાડીનું યોગદાન ટીમના વિજયમાં મહત્વનું રહ્યું હતું. પ્રિયાંક પંચાલ અને સમિત ગોહેલે તો ત્રેવડી સદીઓ ફટકારીને તેઓ ટીમ ઈન્ડિયાના મજબૂત દાવેદારો હોવાનો અણસાર આપી દીધો જ્યારે પાર્થિવને તો ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં રિધ્ધિમાન સહાને ઈજા થતા ટીમમાં સ્થાન પણ મળ્યું અને તેણે તેમાં સરાહનીય દેખાવ પણ કર્યો. બોલર્સને લાગે વળગે છે ત્યાં સુધી જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ અને રુષ કલારિયાએ પણ સારી બોલિંગ કરી અને વખતો વખત ટીના વિજયમાં ભૂમિકા અદા કરી. તેમ છતાં આ તમામ માટે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ હજુ માટે દિલ્હી દૂર છે. આનું કારણ દેશમાં ક્રિકેટર્સ વચ્ચેની ગળાકાપ સ્પર્ધા છે.

ટીમ ઈન્ડિયામાં ગુજરાતના ખેલાડીઓની શક્યતાની વાત કરતા પહેલા જેતે ખેલાડીઓના તાજેતરમાં રણજી ટ્રોફીમાં દેખાવ પર નજર નાખવી પડશે. નાની વયે ટેસ્ટ ટીમમાં પદાર્પણ કરનારા ગુજરાતના સુકાની પાર્થિવ પટેલે બેટિંગ અને વિકેટકિપિંગમાં તો ખૂબજ સારો દેખાવ કર્યો વળી તેણે મુંબઈ સામેની ફાઈનલમાં ચાર કલાક 43 મિનિટ મેદાન પર રહી જે રીતે લડાયક 143 રનની ઈનિંગસ રમી એ જોતા તો તેના ટીકાકારોએ પણ તેની દબાણમાં રમાયેલી ઐતિહાસિક ઈનિંગ્સને બિરદાવી પડી હતી. પાર્થિવના નેતૃત્વમાં જ ગુજરાતની ટીમ દેશની અન્ય બે પ્રતિષ્ઠિત વન-ડે અને ટી20 ટ્રોફી પણ જીતી ચૂકી છે. 2014-15માં ગુજરાતે સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી તથા 2015-16માં વિજય હઝારે ટ્રોફી જીતી હતી. હા, આનંદની વાત એ છે કે આ ટ્રોફીઓના લીધે નહીં પરંતુ આઈપીએલના લીધે ગુજરાતના અન્ય બે ખેલાડીઓ જસપ્રિત બૂમરાહ અને અક્ષર પટેલને તો રાષ્ટ્રીય વન-ડે અને ટી20 ટીમમાં સ્થાન મળી ગયું પરંતુ પાર્થિવને તો વર્ષોના બ્રેક બાદ તાજેતરમાં પૂરી થયેલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની મેચોમાં ઈજાગ્રસ્ત ખેલાડીના વિકલ્પ તરીકે સ્થાન મળ્યું.

ગુજરાતના વિજયમાં પાર્થિવ ઉપરાંત સૌથી મોટું યોગદાન ઓપનર પ્રિયાંક પંચાલનું રહ્યું હતું કે જેણે રણજીના પ્રવર્તમાન સત્રની 10 મેચમાં 87.33ની સરેરાશથી પાંચ સદી અને ચાર અધી સદી સાથે 1310 રન બનાવ્યા. આ દરમિયાન આ બેટસમેને અણનમ 314 રન પણ બનાવ્યા. હા, એ વાત જુદી છે કે તે રણજીના સત્રમાં સૌથી વધુ રન ફટકારનારા બેટસમેનોની યાદીમાં ટોચ પર પહોંચવામાં સહેજ પાછળ રહ્યો. આ વિક્રમ વીવીએસ લક્ષ્મણના નામે  છે જેણે 1999-00માં 1415 જ્યારે 2015-16માં કરુણ ઐયરે 1321 રન ફટકાર્યા હતા. આ જોતા એક વાત તો સ્પષ્ટ રીતે કહી શકાય કે પ્રિયાંક હાલમાં રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ બેટસમેન તરીકે ઊભરીને સામે આવ્યો છે. જોકે, પ્રિયાંક માંટે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ ઘણો દૂર છે. કેમકે આના માટે તેણે હજુ પણ વધુ સાતત્યપૂર્ણ દેખાવ કરવો જ પડશે. અને યોગ્ય તકની રાહ જોવી પડશે.

ગુજરાત માટે આણંદના વન્ડર બોય સમિત ગોહેલનુંવિજયમાં યોગદાન ઓછું અંકાય એમ નથી. તેણે 359 રનની અણનમ વિક્રમી ઈનિંગ્સથી તો સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું જ વળી તેણે બે સદી, ત્રણ અડધી સદી સાથે 60.93ની સરેરાશથી 914 રન બનાવી તે માત્ર ગુજરાત જ નહીં દેશનો પ્રતિભાશાળી બેટસમેન બનવાની ક્ષમતા ધરાવતો હોવાનું પુરવાર કર્યું. આ ઉપરાંત મનપ્રિત જુનૈજાએ 10 મેચમાં 50.60ની સરેરાશથી એક સદી અને પાંચ અડધી સદી સાથે 759 રન બનાવ્યા જેમાં તેના 201 અણનમની ઈનિંગ્સ યાદગાર રહી. સમગ્રતઃ આ બન્ને બેટસમેને પણ ચોક્કસ રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હશે. આ ઉપરાંત જસપ્રિત બૂમરાહ, રુષ કલારિયાએ તેમની બોલિંગથી ટીમના વિજયમાં ફાળો આપ્યો. જોકે, આ તમામની વચ્ચે ટીમમાં ગેસ્ટ ખેલાડી તરીકે રમી રહેલો આર.પી.સિંહ ટીમ માટે ખૂબજ ઉપયોગી પુરવાર થયો. ઢળતી કારકિર્દીમાં આરપીએ ફાઈનલમાં ચાર, સેમિફાઈનલમાં નવ વિકેટ ઝડપવા ઉપરાંત મેદાન પર તેના અનુભવનો લાભ પણ ટીમને આપ્યો હતો.

ખેર, હવે મૂળ વાત પર આવીએ તો આ તમામ ખેલાડીઓની ક્ષમતાને આંકડાની દ્રષ્ટીએ મૂલવીએ તો તેઓ હાલમાં ટીમ ઈન્ડિયાના પ્રબળ દાવેદારો માની શકાય પરંતુ એની સામે હવે એ પણ જોવું રહ્યું કે તેમની સરખામણી કોની સાથે કરવી. રણજી જીત્યા બાદ ગુજરાતની ટીમ ઈરાની ટ્રોફી માટે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે રમી જેમાં પ્રથમ ઈનિંગ્સમાં સરસાઈ છતાં ટેસ્ટ સ્ટાર ચેતેશ્વર પૂજારા અને રિધ્ધિમાન સહાની જોરદાર બેટિંગ સામે ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો. પ્રિયાંક અને સમિતે તો ટીમ ઈન્ડિયા માટે હજુ ઘણો ઈંતેજાર કરવો પડે એમ લાગે છે કેમકે તેમને ટીમમાં કોના સ્થાને લેવા એ બહુ મોટો સવાલ છે. હા, રિધ્ધિમાન સહાને ઈજા થતા પાર્થિવને ટીમ ઈન્ડિયામાં તક તો મળી ગઈ પરંતુ રિધ્ધિમાન સહાએ ઈરાની ટ્રોફીમાં જે રીતની વાપસી કરી એ જોતા ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ તો પાર્થિવના નામ પર વિચારવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દેતા વિકેટકીપર તરીકે તેમની પહેલી પસંદ રિધ્ધિમાન હશે એમ કહી પાર્થિવ માટે હાલ પૂરતા તો ટેસ્ટ ટીમના બારણા બંધ કરી દીધા. પાર્થિવની વધતી વય જોતા હવે તેને ફરી ક્યારેક પસંદગીકારો તક આપશે એ તો સમય જ બતાવશે. સમિત માટે તો આ હજુ શરૂઆત છે. ઐતિહાસિક ત્રેવડી સદીએ તેનું ગુજરાતની ટીમમાં સ્થાન ચોક્કસ નિશ્ચિત બનાવ્યું હશે પરંતુ ટીમ ઈન્ડિયા માટે તેણે વધુ મહેનત તો કરવી જ પડશે એ ઉપરાંત યોગ્ય તકની રાહ પણ જોવી પડશે. હા, પ્રિયાંકને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા અનેક સત્રોથી સાતત્યપૂર્ણ બેટિંગ કરનારો આ ખેલાડી રાષ્ટ્રીય ટીમમાં તક માટેનો ખરો હકદાર છે પરંતુ ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા જોતા તેના માટે પણ નસીબ જ મહત્વનું પુરવાર થશે. ખેર, પ્રિયાંક અને સમિતને આઈપીએલમાં તક મળે તો પણ એ તેમના માટે રાષ્ટ્રીય ફલક પર પોતાને પુરવાર કરવાના બહુ મોટા મંચ સમાન બાબત હશે. એમ તો હાલમાં માત્ર જસપ્રિત બૂમરાહ જ એક ગુજરાતી ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન કાયમ કરી શક્યો છે પરંતુ તેના માટે પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું આસાન નહીં હોય. અક્ષર તેની ફિટનેસને લઈને ઝઝૂમી રહ્યો હોઈ તેને ટીમાં હોવા છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળતું નથી
.

ઓલિમ્પિકમાં ભારતને દબદબો વધારવાની સારી તક

 ઓલિમ્પિક રમતોમાં ભારતનો હોકીમાં દબદબો જોવા મળતો પણ છેલ્લા કેટલાક દાયકામાં ભારતે ધીરે ધીરે એથ્લેટિક્સ સહિતની જુદી જુદી રમતોમાં પણ ઓલિમ્પિકમાં તેના ખેલાડીઓ મોકલવા ઉપરાંત મેડલ્સ પણ મેળવ્યા છે. ટોકિયામાં આ વર્ષે ઓલિમ્પક યોજાવાની છે ત્યારે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ટીમને સ્પર્ધામાં મોકલે એમ લાગે છે ત્યારે દેશને વિશ્વ ખેલ મહાકુંભમાં તેનો દબદબો વધારવાની સારી તક છે

વિદેશથી આયાત થયેલી ક્રિકેટમાં એક તરફ ભારતના દબદબો છે પણ અન્ય રમતોની વાત આવે તો ભારત વિશ્વ કક્ષાએ અપેક્ષિત પડકાર રજૂ કરી શકતું નથી એમ કહેવાય છે. જોકે. છેલ્લા કેટલાક દાયકાઓથી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જે પ્રકારે મેડલ્સ મેળવી રહ્યા છે એ જોતા હવે અન્ય રમતોમાં પણ ભારત પાસે ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ છે અને તેઓ દેશને સન્માન અપાવવા સક્ષમ હોવાનું જાણી શકાયું છે. કોરોના વાયરસને લીધે વિશ્વભરમાં અનેક રમતોની મોટી સ્પર્ધાઓ રદ કે પછી પાછી ઠેલવામાં આવી રહી છે ત્યારે ટોકિયોમાં યોજાનારી ઓલિમ્પિક્સ પર પણ આ વાયરસની અસરનો ભય છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી ઓલિમ્પકના આયોજકોએ સ્પર્ધાને પાછી ઠેલવા સહિતનો કોઈ જ નિર્ણય લીધો નથી પણ હા, તાજેતરમાં જ ઓલિમ્પિક જ્યોતના સમારોહમાં દર્શકોની હાજરીને ટાળવામાં આવી છે અને સ્પર્ધાને યોજવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઈ છે એવામાં ભારત આ સ્પર્ધામાં કેવો દેખાવ કરે છે તેના પર સમગ્ર દેશના રમત પ્રેમીઓની નજર છે. એક હકીકત એ છે કે આ વખતે સ્પર્ધામાં અગાઉ કરતા વધુ ભારતીય ખેલાડી ભાગ લે એવી પૂરી શક્યતા છે ત્યારે ઓલિમ્પિક માર્ક પાર કરનારા ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલ મેળવે એવી અપેક્ષા રાખવી રહી.

ભારતે આ વર્ષે યોજાનારી ટોકિયો ઓલિમ્પિકના ક્વોટામાં વૃધ્ધિ કરતા તેની સંખ્યા 41 સુધી પહોંચાડી દીધી છે. આ સાથે જ 74 ભારતીય ખેલાડીઓએ રમતના મહાકુંભ માટે પોતાની સિટ નક્કી કરી લીધી છે. ફેબ્રુઆરી સુધીમાં ભારતે 31 ક્વોટા હાંસલ કરી લીધા હતા.પરંતુ નવ ભારતીય બોક્સર્સ અને ભાલા ફેંક ખેલાડી શિવપાલ સિંહે પોત-પોતાના વર્ગોમાં ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવા સાથે આ સંખ્યાને વધારી દીધી છે. ભારતીય પુરૂષ અને મહિલા હોકી તથા કેટલિક ટીમ ગેમમાં ક્વોલિફાય કરવાને લીધે ઓછામાં ઓછા 74 ખેલાડી તો ઓલિમ્પિકમાં જશે જ. એમાં 42 પુરૂષ અને 32 મહિલા ખેલાડી છે. આ રમતોનું આયોજન 24 જુલાઈથી નવ ઓગસ્ટ સુધી થશે. ઓલિમ્પિક-2016માં 117 ભારતીય રિયો ગયા હતા જેઓએ 15 જુદી-જુદી રમતોમાં ભાગ લીધો હતો.

ટોકિયો ઓલિમ્પિક માટે ભારતના તિરંદાજી (04), એથ્લેટિક્સ (06), કુશ્તી (04), ઘોડેસવારી (01), હોકી (02), બોક્સિંગ (09) અને શૂટિંગ (15) ના ખેલાડીઓ ઓલિમ્પિકમાં જશે. જોકે જે રમતોમાં ખેલાડીઓએ દેશને ક્વોટા અપાવ્યો છે તેમના ટોકિયો જવા અંગેનો નિર્ણય ભારતીય ખેલ મહાસંઘોએ કરવાનો છે. ઘોડેસવારીમાં ફવાદ મિર્ઝાએ ક્વોટા અપાવ્યો જ્યારે હોકીમાં પૂરૂષ અને મહિલા બન્ને ટીમો આ સ્થાન મેળવી ચૂકી છે.

ઓલિમ્પિકમાં ક્વોટા મેળવનારા ખેલાડીઓમાં સૌ પહેલાં જોઈએ તો એથ્લેટિક્સમાં પુરૂષોની 20 કિમી. ચાલમાં ઈરફાન થોડી, પુરૂષોની 3000 મીટર સ્ટીપલ ચેઝમાં અવિનાશ સાબલે, પુરૂષોની ભાલા ફેંકમાં નિરજ ચોપરા અને શિવપાલ સિંહ, મહિલાઓની 20 કિમી ચાલમાં ભાવના જાટ, ફોર બાય 400 મીટર રિલે ટીમમાં મોહમ્મદ અનસ, વીકે વિસ્મયા, જિસ્ના મેથ્યુ અને નિર્મલ નોહની ટીમે ક્વોટા અપાવી દીધો છે. શૂટિંગની વાત કરીએ તો પુરૂષોની 10 મીટર એર રાયફલમાં દિવ્યાંશ સિંહ પંવાર અને દીપક કુમાર, પુરૂષોની 50 મીટર રાયફલ-થ્રી પોઝિશનમાં સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, પુરૂષોની 10 મીટર એર પિસ્તલમાં સૌરભ ચૌધરી અને અભિષેક વર્મા, પૂરૂષોની સ્કીટમાં અંગદ વીર સિંહ બજવા અને મૈરાજ અહમદ ખાને ક્વોટા અપાવ્યો છે. તો બીજી બાજુ મહિલાઓની 10 મીટર એર રાયફલ અંજુમ મૌદગિલ અને અપૂર્વી ચંદેલા, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકર અને યશસ્વિની સિંહ દેસવાલ, મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં રાહી સરબનોત અને ચિંકી યાદવ, મહિલાઓની 50 મીટર રાયફલ-થ્રી પોઝિશનમાં તેજસ્વિની સાવંત ક્વોટા અપાવી ચૂક્યા છે.

કુશ્તીમાં પૂરૂષોમાં રવિ કુમાર (57 કિગ્રા), બજરંગ પુનિયા (65 કિગ્રા), દીપક પૂનિયા (86 કિગ્રા)એ દેશને ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો છે. જ્યારે વિનેશ ફોગટ (53 કિગ્રા)એ મહિલાઓમાં આ ક્વોટા અપાવ્યો છે. બોક્સિંગમાં મનિષ કૌશિક (63 કિગ્રા), વિકાસ કૃષ્ણન (69 કિગ્રા), એમસી મેરી કોમ (51 કિગ્રા), સિમરનજિત કૌર (60 કિગ્રા), લવલિના બોરગોહેન (69 69 કિગ્રા), પૂજા રાની (75 કિગ્રા), અમિત પંઘાલ (52 કિગ્રા), આશિષ કુમાર (75 કિગ્રા) અને સસતીશ કુમાર (91 કિગ્રાથી વધુ)એ ક્વોટા હાંસલ કરી લીધો છે. આ ઉપરાંત ભાલા ફેંક ખેલાડી શિવલાલ સિંહે એક સ્પર્ધા દરમિયાન ટોકિયો ઓલિમ્પિકનો ક્વોલિફાઈંગ સ્તર હાંસલ કરીને પોતાની પહેલી ઓલિમ્પિક રમત માટે ક્લોલિફાય કર્યું છે. સ્ટાર ખેલાડી નીરજ ચોપરા બાદ 24 વર્ષનો શિવપાલ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારો ભારતનો બીજો ભાલા ફેંક ખેલાડી છે. શિવલાલે મેક આર્થર સ્ટેડિયમમાં એસીએનડબલ્યુ સ્પર્ધા દરમિયાન પોતાના પાંચમા પ્રયાસમાં 85.47 મીટરના સ્તરની સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યું અને ઓલિમ્પિકમાં પ્રેવશ કર્યો. ઓલિમ્પિકનો ક્વોલિફાઈંગ માર્ક 85 મીટર છે. ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ટ્વિટ કર્યું કે શિવપાલ સિંહે દક્ષિણ આફ્રિકામાં પૂરૂષ ભાલા ફેંક સ્પર્ધામાં 85.47 મીટરના પ્રયાસ સાથે ટોકિયો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. એક અન્ય ભારતીય અક્ષદીપ સિંહ 75 મીટરના તેના સર્વશ્રેષ્ઠ પ્રયાસ સાથે ત્રીજા સ્થાન પર રહ્યો છે. સ્પર્ધામાં ચાર ખેલાડીએ ભાગ લીધો હતો. ચોપરાએ અહીં જાન્યુઆરીમાં એસીએનડબલ્યુ લિગમાં જ 87.86 મીટરના પ્રયાસ સાથે ટોકિયો ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું. ચોપરા અને શિવપાલ બન્ને ટ્રેનિંગ કરી રહ્યા છે. શિવપાલનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ 86.23 મીટર છે કે જે તેણે ગત વર્ષે દોહામાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા સાથે બનાવ્યો હતો. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અનુ રાનીએ પણ મહિલા ભાલા ફેંકમાં વર્ષની તેની પહેલી સ્પર્ધામાં 61.15 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જોકે, તેનો આ પ્રયાસ 64 મીટરના ટોકિયો ઓલિમ્પિકના ક્વોલિફાઈંગ માર્કથી ઓછો રહ્યો. સમગ્રતઃ એક વાત નક્કી છે કે અગાઉની ઓલિમ્પિક કરતા આ વખતે ભારતીય ખેલાડીઓ વિશ્વના આ મહાકુંભ માટે સજ્જ છે ત્યારે તેમની પાસે મેડલની આશા રાખી શકાય એમ છે.

SPORTS FIELD